Add parallel Print Page Options

નિર્દેશક માટે. દાઉદનું માસ્કીલ, જ્યારે દોએગ અદોમીએ આવીને શાઉલને ખબર આપી કે, “દાઉદ અહીમેલેખને ત્યાં આવ્યો છે,” તે વખતે લખાયેલું છે.

અરે ઓ જુલમગાર, તું તારા દુષ્ટ કાર્યો વિષે શા માટે અભિમાન કરે છે?
    તું લગાતાર દેવને અપકીર્તિ કરનાર છે?
તું દુષ્ટ યોજનાઓ બનાવે છે.
    તારી જીભ અણીદાર અસ્રા જેવી છે.
    તારી જીભ દુષ્ટતા કરવા જૂઠું બોલ્યા કરે છે.
તું ભલાઇ કરતાં વધારે દુષ્ટતા ચાહે છે,
    તું સત્ય કરતાં વધારે અસત્ય આચરે છે.

તું અને તારી જૂઠી જીભ લોકોને ઇજા કરવા માંગે છે.
પણ દેવ તને નીચો પાડશે, અને તને ઘરમાંથી ખેંચી કાઢશે;
    અને ઇહલોકમાંથી તને ઉખેડી નાખશે.

નિષ્પક્ષો આ જોશે અને ભય રાખશે,
    અને દેવને માન આપશે
તેઓ હસશે અને કહેશે કે,
    “જે પુરુષે ઇશ્વરને પોતાનો આશ્રય ન કર્યો,
    અને દુષ્કર્મોને વળગી રહ્યો તે પોતાના આ ધન પર ભરોસો રાખીને રહ્યો.”

પણ હું તો દેવના મંદિરમાં આબાદી પામતાં જૈતવૃક્ષ જેવો છું.
    હું હંમેશા ઇશ્વરની કૃપા પર ભરોસો રાખીશ.
હે યહોવા, તમે જે કાંઇ કર્યું છે, તે માટે હું સદાકાળ આભાર સ્તુતિ કરીશ.
    તમારા સંતોની સામે તમારું નામ ઉત્તમ છે એવું હું પ્રગટ કરીશ.